logo

ગુજરાતમાં આદિવાસી તહેવારો

આદિવાસી પ્રજા તહેવાર પ્રિય પ્રજા છે. તેઓ અનેક પ્રકારના તહેવારો ઉજવે છે. ગુજરાતના આદિવાસીઓમાં ઉજવાતા તહેવારો અનેક છે. આવા તહેવારોમાં હોળી, અખાત્રીજ, દશેરા, દિવાળી, દેવદિવાળી, દિવાસો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં હોળી અને દિવાસોનો તહેવાર ધ્યાનાકર્ષક અને વિશેષ સામાજિક મહત્વ ધરાવે છે.

હોળીનો તહેવાર ::

ગુજરાતની જુદી જુદી આદિજાતિઓમાં હોળીનો તહેવાર ધામધુમથી ઉજવાય છે. ડુંગરી ગરાસીયા, ડાંગી, ચૌધરી, ગામીત, તડવી, ભીલ, રાઠવા, ઢોડિયા, કૂંકણા, દુબળા-હળપતિ વગેરે ઘણી આદિજાતિઓ હોળીનો તહેવાર ઉજવે છે.

દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓ તેમની આગવી શૈલીમાં તહેવારો ઉજવે છે. તેઓમાં હોળીનો તહેવાર સૌથી મોટો છે. આ તહેવારની ઉજવણી માટે ફાગણ સુદ એકમથી તૈયારી થાય છે. બહારગામ રહેતા આદિવાસીઓ હોળીનો તહેવાર ઉજવવા વતનના ગામમાં આવી જાય છે. ડાંગમાં હોળીના તહેવારને શિમગા તરીકે ઓળખવામાં આવે છે. હોળીનો તહેવાર એક મહિના સુધી ચાલે છે. આ તહેવાર યોવનના આનંદ ઉલ્લાસનો છે. ગામડે ગામડે હોળી પ્રગટે છે. હોળીબાઇનું લગ્ન કરવામાં આવે છે. આદિવાસીઓ જુદા જુદાં વેશ ધારણ કરતાં હોય છે. તેમાં પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરીને શણગાર સજે છે. ગામીત આદિવાસીઓમાં હોળીમાં સામેલ થતાં હોળૈયા રાત્રે હોળી ગીત ગાય છે. ગામ લોકો એકઠા થઇને હોળીની તૈયારી કરે છે. હોળીમાં લાકડાં, છાણા, વાંસ, સાવરણી, કેસૂડાનાં ફૂલ, ટોપલી વગેરે હોળીમાં નાંખે છે. હોળી શણગારવામાં આવે છે. હોળી ગીત ગવાય છે. નાના બાળકો લાકડાંનો ધોડો બનાવીને નાચતાં કૂદતાં હોળીના ગીત ગાય છે. ગામનો મુખી હોળી પ્રગટાવે છે. હોળી પ્રગટયા પછી તલવાર નૃત્ય થાય છે અને હોળી ફરતા નાચે છે. યુવાનો મોટો ઢોલ લઇને ગામને ગોદરે આવે છે. થાળી વગાડતા વગાડતા નૃત્ય કરે છે. યુવક-યુવતીઓ તીર નૃત્ય કરે છે. ડાંગી આદીવાસીઓ પીરામિડ નૃત્ય કરે છે. ઢોલ, થાળી વગેરે વાજિત્રો વગાડતા વગાડતા આખી રાત નૃત્યો કરે છે. હોળીની રાખ ચોળીને પુરુષો ઘેરૈયા બને છે અને નૃત્યો કરે છે.

ગામીત આદિવાસીઓમાં આંબાના મોરવા હોળી માતાને ધરાવે છે. હોળીના બીજા દિવસને હોળૈયાઓ ફાગ ઉઘરાવવા નીકળે છે. તેમાં ફાગગીતો ગાઇને પૈસા ઉઘરાવે છે. હોળી ગીતો ડાંગમાં વધુ પ્રચલિત છે. તેઓ ગામે ગામ ફરીને વેશભૂષા ધ્વારા મનોરંજન પુરૂ પાડે છે. બાલિકાઓ અને યુવતીઓ મોડી રાત સુધી હોળીના ગીતો ગાય છે. કેટલાંક હોળી ગીતો લોલા તરીકે ઓળખાય છે. હોળી ગીતોમાં હોળીના તહેવાર સાથે પ્રકૃતિનું વર્ણન રજૂ કરવામાં આવે છે. તેમજ બાળક પ્રત્યે માતૃપ્રેમ વ્યકત થાય છે. આદિવાસીઓ તેમની દેવીને પ્રસન્ન કરવા હોળી ગીતો ગાય છે. સ્ત્રી અને પુરુષ એકબીજાની કમરમાં હાથ રાખીને ગોળ ગોળફરતાં ગીતો ગાય છે. તેમજ નૃત્ય કરે છે. હોળીનાં તહેવારમાં ખજૂરનું મહત્વ ઘણુંછે. આમ, આદિવાસી આબાલ વૃધ્ધો આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉત્સાહપૂર્વક હોળીનો ઉત્સવ ઉજવે છે.

દિવાસો ::

ગુજરાતનાં ઘણા આદિવાસીઓમાં દિવાસોનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ખાસ કરીને દૂબળા-હળપતિઓમાં આ તહેવાર સૌથી મોટો છે. આ તહેવાર જુલાઇ મહિનામાં ઉજવવામાં આવે છે. દિવાસો તો દૂબળાનો દિવાસો તો હળપતિનો જેવી પંકિતઓ પ્રચલિત બની છે. જે તેમના સમાજ જીવનમાં આ તહેવારના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ તહેવારમાં કુંવારી કન્યાઓ ઢીંગલી-ઢીંગલાનો લગ્નોત્સવ ઉજવે છે. આ તહેવાર ધ્વારા કેટલીક વખત કુંવારી કન્યાને યોગ્ય જીવનસાથીની પસંદગીની તક મળે છે. આ તહેવારમાં દુબળા હળપતિ સ્ત્રી પુરુષો અને બાળકો નૃત્ય કરે છે. અને મનોરંજન મેળવે છે. આ ઉત્સવ એટલો આનંદ ઉલ્લાસવાળો હોય છે કે, કુંવારી કન્યાઓ દિવાસાના તહેવારની રાહ જોતી હોય છે. દિવાસોના તહેવારમાં કુંવારી કન્યાઓ મોટા પાયા પર ઢીંગલીના લગ્ન કરે છે. આ તહેવારમાં માત્ર કુંવારી કન્યાઓ જ ભાગ લઇ શકે છે. પુરુષો પ્રેક્ષકો તરીકે આવી શકે છે. દિવાસાના તહેવારમાં દુબળા બાળાઓ છ વર્ષની ઉંમરથી ભાગ લે છે. કુંવારી કન્યા જાતે ઢીંગલો કે ઢીંગલી બનાવે છે અને તહેવારના દિવસો દરમ્યાન તેની સંભાળ રાખે છે. દિવાસા અગાઉ થોડા દિવસે ઢીંગલી બનાવવાનું શરુ કરે છે. ઢીંગલીને રોજ ખાવા આપવું, કપડાં પહેરાવવા શણગાર સજવો વગેરે જેવી કાળજી લેવામાં આવે છે. કન્યાના લગ્નની પૂર્વતૈયારી રૂપે દિવાસોનો તહેવાર ઉજવવામાં આવે છે અને તે દૂબળાઓનો લોકોત્સવ બની રહે છે. ઢીંગલી લાલ કપડાંની અને ઢીંગલો સફેદ કપડાનો બનાવવામાં આવે છે. વ્યકિતગત કુંટુબો ઢીંગલી બનાવે છે. પણ તહેવારમાં બધા દુબળા ભાગ લે છે. ઢીંગલીઓ તૈયાર કરવી, આખા સમુહ માટે ગીતો ગાવા, લગ્નમંડપ બાંધવો અને લગ્ન સમારંભ યોજવો તેમજ વિદાય આપવી વગેરે દિવાસોના તહેવારનાં મહત્વનાં પાસા છે. નાની ઢીંગલીઓ ઘેર ઘેર બનાવવામાં આવે છે. પણ મોટો ઢીંગલો અને મોટી ઢીંગલી બનાવવાનું કામ વિશિષ્ટ કુંટુબોને સોંપવામાં આવે છે. ઢીંગલો અને ઢીંગલી જુદા જુદા ઘરે બને છે. ઢીંગલા-ઢીંગલીના લગ્ન એકસાથે ઉજવવામાં આવે છે લગ્નવિધિ મહોલ્લામાં થાય છે. મહોલ્લાની ઢીંગલીઓ એક સ્થળે એકઠી કરવામાં આવે છે. અને એક સાથે લગ્ન કરવામાં આવે છે. ગામ નાનું હોય તો આખા ગામ માટે એક જ લગ્નસમારંભ યોજવામાં આવે છે. આ રીતે દિવાસાનો તહેવાર ઢીંગલા ઢીંગલીનો લગ્નોત્સવ છે. તેમાં સાચા લગ્ન જેવું બધુ જ કરવામાં આવે છે. ઢીંગલીવાળાના ઘરે લગ્ન મંડપ બાંધવામાં આવે છે. બધી ઢીંગલીઓના લગ્ન આ લગ્નમંડપમાં યોજાય છે જે દિવસે લગ્નમંડપ બંધાય તેજ દિવસે મુર્હતની વિધિ કરવામાં આવે છે. તેમાં બધી ઢીંગલીઓને પીઠી ચોળવામાં આવે છે અને ગીતો ગવાય છે. સાંતેકની વિધિ કરવામાં આવે છે. તેમાં ચોરી બાંધવી,ચોરીમાં અગ્નિ પ્રગટાવવો તેમાં નાળિયેર, સોપારી અને ચોખા હોમવાની વિધિ થાય છે. આ વિધિ લગ્નમંડપમાં થાય છે. સાંતેકની વિધિ પછી મોસાળુ કરવામાં આવે છે. તેમાં મુખ્ય ઢીંગલીની મા મામાનું સ્વાગત કરે છે. આ વિધિ બાદ જાન આવે છે. તે વખતે બધાં ઢીંગલાઓ એક થાળીમાં મુકેલા હોય છે. મુખ્ય ઢીંગલીની મા અને અન્ય સ્ત્રીઓ સ્વાગત કરે છે. જાન થોડો સમય જાનીવાસે આરામ કરે છે તે દરમ્યાન ઢીગલીઓવાળી થાળી ચોરીમાં મુકવામાં આવે છે. ચોરીમાં લગ્નવિધિ થાય છે. લગ્નવિધિમાં મંત્ર બોલવામાં આવે છે અને બીજી વિધિઓ કરવામાં આવે છે. આ લગ્નવિધિ પછી બધા પોતપોતાને ઘેર જાય છે. બીજા દિવસે પરણેલી ઢીંગલીઓને જાન સાથે વિદાય આપવા માટે બપોરનાં બધા ભેગા થાય છે. ઢીંગલીઓને વરઘોડાના રૂપમાં નદીએ લઇ જવામાં આવે છે. અને તેમને નદીમાં પધરાવવામાં આવે છે. પધરાવતી વખતે ગીતો ગાય છે. આ ગીતો કન્યાના લગ્ન પછી શ્વસુરગૃહે વળાવતી વખતે ગવાતાં ગીતો જેવા જ હોય છે. આ ગીતોમાં દીકરીએ શ્વસુરગૃહે કેવી રીતે રહેવું તે અંગેની શીખામણો હોય છે. વિદાયવિધિ પછી છોકરીઓ નદીકાંઠે કે તળાવકાંઠે રોકાય છે તેમજ સાંજ સુધી ગીતો અને ગરબા ગાય છે. સાંજે સૌ પોતપોતાના ઘરે જાય છે. મોટા ઢીંગલાને ઢીંગદેવ કહેવામાં આવે છે. આ ઢીંગદેવને દિવાસાના તહેવારનો અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે. તેઓમાં એવી માન્યતા છે કે ઢીંગદેવની સેવા બરાબર કરવામાં આવે તો ઢીંગદેવ મદદરુપ બને છે તેઓમાં એવી પણ માન્યતા છે કે, ઢીંગદેવની સેવા છોકરી પાંચ વર્ષ સુધી કરે તો તેને સારો વર મળે છે. તેમજ તેનું લગ્નજીવન સફળ થાય છે. ઢીંગલા- ઢીંગલીઓ મૂકેલી થાળીઓ ઘીના દીવા સાથે પાણીમાં તરતી મૂકવામાં આવે છે. આ વિદાયવિધિ જોવા આખુ ગામ ભેગું થાય છે. આમ, આદિવાસીઓ આ રીતે દિવાસોનો તહેવાર ઉજવે છે અને તેઓમાં આ તહેવારનું મહત્વ ઘણું રહેતું છે.

આમ, ગુજરાતનાં આદિવાસીઓ જુદાં જુદાં અનેક તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. પણ તેઓમાં હોળી તેમજ દિવાસોના તહેવારનું અનન્ય મહત્વ રહેલું છે.

સંદર્ભગ્રંથસૂચિ::

  1. ગુજરાતની આદિજાતિ સંસ્કૃતિ. સંકલન - ઉમેશબાવીસા.
  2. ગુજરાતનાં દુબળાઓ. લે.પી.જી.શાહ.
  3. ભારતીય સંસ્કૃતિ એક સમાજશાસ્ત્રીય સમીક્ષા. લે.ગૌરીશંકરભટૃ.
  4. The Tribal culture of india. લે.એલ.પી. વિધાર્થી અને બી.કે.રાવ.

*************************************************** 

રૂકસાના. એ.નાગોરી,
સરકારી વિનયન કોલેજ,
ગાંધીનગર.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us