logo

શક્તિપીઠ બેચરાજીની ઉત્પતિ :- એક ઐતિહાસિક અભ્યાસ

ગુજરાતમા બે મહત્વની શક્તિપીઠોમા અંબાજી અને બહુચરાજીની ખૂબ નામના છે. અંબાજી પગપાળાધામ છે તો બહુચરાજી નાના બાળકોના કેશવપન(બાબરી) માટે ગુજરાતમા ખૂબ જ જાણીતુ છે. શ્રધ્ધાળુઓ ચૈત્રમાસમાં પગપાળા બેચરાજીની યાત્રા કરે છે. પરંતુ તેની પ્રાચીનતા અંગે તેમજ તેના ઇતિહાસ અંગે અહી ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે.

અઢારમું શતક

બહુચરાજી નું મંદિર ક્યારે બંધાયુ હશે તે સંબધી કોઇ પુરાવો મળતો નથી પરંતુ તેના દેખાવ અને શિલ્પ ઉપરથી બસો- ત્રણસો વર્ષ કરતા વધારે પ્રાચીન હોય તેવું ઇતિહાસકારોને જણાતુ નથી તેનો સભામંડપ ૧૮૩૬માં શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી બંધાવવામાં આવ્યો હતો તેમ એક શિલાલેખમાં નોંધ છ[1] અઢારમાં શતકના અંતમાં થયેલા વલ્લ્ભ ભટૃ આદિ કવિઓએ બહુચરાજી નો મહિમા બહુ ગાયો છે પરંતુ એ પહેલાના ગુજરાતી સાહિત્યમાં એ સંબધી કશો ઉલ્લેખ મળતો નથી

સતરમું શતક

આ શતકના કોઇપણ ગ્રથમાં બહુચરાજી સંબંધી ઉલ્લેખ નથી, પરંતુ અઢારમા શતક્ના કવિઓએ જે દંતકથાઓનો નિર્દેશ કર્યો છે તે કદાચ આ શતકમાં શરૂ થઇ હશે ઔરંગઝેબે ગુજરાતના ધણા તીર્થસ્થાનો નો ધ્વંસ કર્યાની નોંધ મળી આવે છે, પરતુ બહુચરાજી ના મંદિર સંબધે સહેજ પણ મહિતી મળતી નથી.[2]

સોળમું શતક -: કવિ ભાલણે કાદમ્બરીમાં એક પંક્તિ લખી છે.
“અથવા ગોરીઈ કીધા પુરૂષ સવે તિ નારી”
ભાલણની છબી જે પતરા ઉપર કોતરવામાં આવેલી જણાવવામાં આવે છે. તેના ઉપર કુકડાનુ ચિત્ર પણ કોતરવામા આવ્યું છે પરંતુ ઉપરની પંક્તિમાં બહુચરાજી માતાનુ નામ નથી તેમજ એમાતો પૂરૂષોને સ્ત્રી કરવાનો ઉલ્લેખ છે, જ્યારે બહુચરાજી સંબંધી દંતકથામાં સ્ત્રીનો પુરૂષ અને ઘોડીનો ઘોડો બનાવવાની વાત છે .બીજી તરફ આ સમયમાં મહમ્મદબેગડાએ દ્રારકા, જુનાગઢ અને ચાંપાનેરનાં મંદિરો તોડયાની નોંધ મળે છે પણ બહુચરાજી નો ઉલ્લેખ મળતો નથી. પંદરમાં શતક્નો કશો પણ ઉલ્લેખ મળતો નથી.

ચૌદમું શતક -:

અમદાવાદ વસાવનાર અહમ્મદશાહે સોમનાથનું મંદિર અને સિધ્ધપુરનો રૂદ્રમાલ તોડયો હોવાની માહિતી મળે છે પણ બહુચરાજી નો ઉલ્લેખ જોવા મળતો નથી ચૌદમાં શતકમાં અલ્લાઉદીન ના લશ્કરે પાટણ તેમજ બહુચરાજી નજીક આવેલુ મોઢેરા ભાગ્યુ હતું [3] પરંતુ તેમાં બહુચરાજી નો કોઇ ઉલ્લેખ નથી.

તેરમું શતક -:

સોલંકી રાજાઓ સંબધી ધણા ઐતિહાસિક કાવ્યો અને પ્રબંધો મળી આવ્યા છે. એમાંના કોઇમાં પણ બહુચરાજી સંબંધી સહેજ પણ ઉલ્લેખ નથી જૈન લેખકો બ્રાહમણ મંદિરનો ઉલ્લેખ ન કરે તેમ ધણીવાર કહેવાય છે પરંતુ આ સમયમા સોમેશ્વર જેવા બ્રાહમણ લેખકે તેના ‘સુરથોત્સવ’ કાવ્યમાં પણ તેનો ઉલ્લેખ કર્યો નથી ‘સરસ્વતીપુરાણ’ નામના બીજા તે સમયના ગ્રંથમાં સિધ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવરના કાઠે બંધાવેલા મંદિરોનું વિગતવાર વર્ણન છે.તેમા દેવીપીઠ ના મંદિરમાં એકસો અને આઠ દેવીઓની મૂર્તિઓના નામ ગણાવેલા છે એમા એકેમાં બાલાત્રિપુરા,બહિચરા કે બહુચરા નામ જોવામાં આવતુ નથી. [3]

બહેચર ગામ-:

માતાનું મુળ નામ બહુચરાજી પરથી પડેલા પુરૂષોના નામ બહેચરદાસ અથવા બહેચરભાઇ જોવામાં આવે છે.ચરણો બહુચરા ચારણી સ્ત્રીની કથાનો સમય સં ૧૩૬૫ બતાવે છે. પરંતુ બહેચર ગામનો ઉલ્લેખ તે સમય કરતા સોવર્ષ પહેલાના એક દાનપત્રમાં છે. પાટણના રાજા ભીમદેવ બીજાનો કોઇ માંડલિક રાજા જયંતસિહ થોડા વખત માટે પાટણનુ રાજ્ય પચાવી પડયો હતો તણે સણખલપુરના મહાદેવના મંદિરો માટે સાપાવાડા અને ડોડીઆપાટક ગામની જમીનો દાનમાં આપી હતી તેનું સં ૧૨૮૦ નું એક દાનપત્ર મળી આવ્યું છે. તેમજ દોદીવાડા તરીકે જોતેમાં બહીચરગામનો ઉલ્લેખ છે.[4] આજે પણ આ ગામો સાપાવળા તેમજ દોદીવાડા તરીકે જોવા મળે છે.

આમ, બહુચરાજીનું મૂળ નામ બહેચરગામ ઉપરથી બહેચરાજી માતા પડયું હશે આરંભામાં તે ગ્રામદેવ હશે. પાછળથી આખા ચુવાળમાં પ્રસિધ્ધ થઇ હશે.[5]

જૈન સહિત્યમાં શ્રી બહુચરજી -‌ :

ગુણવિજયજી નામના જૈન સાધુએ ડીસાગામમાં સં ૧૬૮૭ ની સાલમાં “કોચરવ્યવહારીરાસ” કાવ્ય લખેલું હતુ તેની કથામાં મળેલ ઉલ્લેખ મુજબ સિધ્ધ થાય છે કે બહુચરાજી ના સ્થાનકનું અસ્તિત્વ વિક્રમના પંદરમા -સોળમાં તો નિર્વિવાદ હતુ તેમજ માતાનુ નામ ‘બહિચરજ’ પ્રાચીન છે.[6]

સંદર્ભ સૂચિઃ-

  1. સ્વ. રામલાલ ચુનીલાલ મોદી સ્મારક ગ્રંથ ભાગ-૨, પ્રકાશક શરદકુમાર શાહ પાટણ. પ્રથમ આવૃતિ ઇ.સ ૧૯૬૫ પૃ ૧૮૨
  2. ઉપરોક્ત પૃ ૧૮૩
  3. ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ -૨, ફાર્બસ સાહિત્ય સભા અમદાવાદ. લેખ નં ૧૬૦,૧૬૫
  4. રા.ચુ. મોદી પ્રજાબંધુ- ગુજરાત સમાચાર ‘દિપોત્સવી અંક સંવત’ ૧૯૯૨
  5. સ્વ. રામલાલ ચુનિલાલ મોદી સ્મારકગ્રથં ભાગ-૨, પ્રકાશક શરદકુમાર શાહ પાટણ પ્રથમ આવૃતિ ઇ.સ ૧૯૬૫ પૃ ૧૮૭
  6. રા.ચુ. મોદી પ્રજાબંધુ- ગુજરાત સમાચાર ‘દિપોત્સવી અંક સંવત ૧૯૯૩

*************************************************** 

ડો.પ્રવિણ વી.ચૌધરી
વ્યાખ્યાતા સહાયક, ઇતિહાસ વિભાગ,
સરકારી વિનયન કોલેજ,
દેડિયાપાડા, જિ. નર્મદા.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us